Hello, I'm Admin of weblogtemplates and this is our new blogger template, Vip.
It is extremely easy to configure and use. Designed to show your Web design or web development portfolios.
No complex stuff. Your logo, your articles & your social links. Easy stuff!

છોડ દો આંચલ જમાના ક્યા કહેગા” આવા ગીતોના શબ્દો બોલીવુડમાં સંભળાતા હતાં. આવાં ગીતોનો જન્મ તે સમયે થયો હતો જ્યારે વાસ્તવિકતાની સાથે સાથે બોલીવુડની ફિલ્મોમાં પણ મર્યાદા જળવાતી હતી. પરંતુ ગઈકાલનું બોલીવુડ આજનું બી-ટાઉન બની ગયું છે. જેમ નાનું બાળક પુખ્ત બનતાંની સાથે તેનામાં જનરેશન-x ફેક્ટર ઘૂસી જાય તેમ બોલીવુડમાં પણ કંઈક એવું જ થયું અને બોલીવુડ બન્યું ‘એડલ્ટ’.

દિલીપ કુમાર, દેવ આનંદ જેવા કલાકારોની ફિલ્મો બાદ રાજકપૂરે પોતાના પાછળના વર્ષોના કરિયરમાં પોતાની ફિલ્મોમાં સેક્સનો મસાલો ઉમેરવાનું શરૂ કર્યું હતું. રામ તેરી ગંગા મૈલી, મેરા નામ જોકર, બોબી અને સત્યમ્ શિવમ્ સુંદરમ્ જેવી ફિલ્મો તેના ઉદાહરણો છે. ત્યાર બાદ બોલીવુડનું યૌવન ખીલતું જ ગયું અને ફિલ્મો બાદ ફિલ્મોમાં સેક્સ અને નગ્નતાની ભરમાર સાથે બોલીવુડ ‘ગ્લોબલી’ બની રહ્યું છે તેવા લેબલ સાથે ચુંબન અને ટૂંકા વસ્ત્રોના દ્રશ્યો તો સામાન્ય બની ગયાં. ફિલ્મમાં જો એક ચુંબન કે બેડ સીન ન હોય તો ફિલ્મ ન ચાલે તેવી વિચારસરણી દિગ્દર્શકોના મગજમાં ભરાઈ ગઈ. 2009ની ફિલ્મો રિલીઝ કરનાર થિયેટરના પડદા પણ ફિલ્મની શરૂઆતમાં આવતું મસમોટું સેન્સર સર્ટિફિકેટમાં ‘A (એડલ્ટ) કે ‘U/A (અન્ડર એડલ્ટ) દર્શાવતા મૂંઝાઈ જતું હશે.

વર્ષ 2009માં પણ આ જ પ્રકારની મસાલા ભરપૂર ફિલ્મો આવી. મોટા કે નાના બેનરની, હિટ કે ફ્લોપ ફિલ્મોમાં સેક્સી અને હોટ દ્રશ્યો જોવા મળ્યાં છે. જુઓ 2009માં બોલીવુડ બન્યું કેવી રીતે એકદમ ‘હોટ’


વર્ષ 2009માં બન્યું બોલીવુડ એકદમ ‘હોટ એન્ડ એડલ્ટ’

રણબીરરાજ કપૂર... હા, આ નામ છે બોલીવુડના લીજેન્ડરી અભિનેતા, શો-મેન રાજકપૂરનું. 14 ડિસેમ્બર, 1924ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં જન્મેલા આ માનવરૂપી અભિનય ભંડારનો આજે 85મો જન્મદિવસ છે.

ખૂબ જ નાની વયે ફિલ્મ જગતમાં પ્રવેશ કરનાર રાજ કપૂર સૌ પ્રથમ કિદાર શર્માને ત્યાં ક્લેપર બોય તરીકે કામ કરતાં થયાં. ત્યાર બાદ ફક્ત 11 વર્ષની વયે જ પ્રથમ વાર વર્ષ 1935માં ‘ઈન્કલાબ’ દ્વારા ફિલ્મોમાં દેખાયા. ત્યાર બાદ ફિલ્મોમાં કામ કરતાં રહ્યાં અને 12 વર્ષ બાદ 1947માં લીડ રોલમાં ‘નીલકમલ ’માં મધુબાલા સાથે અભિનય કર્યો. મધુબાલાની આ મુખ્ય અભિનેત્રી તરીકેની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મ જગતના પોતાના જમાનામાં સૌથી નાની વયના ડિરેક્ટર બની તેમણે 1948માં 24 વર્ષની વયે પોતાનો આર.કે સ્ટુડિયો બનાવ્યો. અભિનેતા, ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે તેમણે 1948માં ફિલ્મ ‘આગ’ બનાવી જેમાં ઘણી ફિલ્મોમાં રાજ કપૂર સાથે કામ કરનાર અભિનેત્રી નરગીસ સૌ પ્રથમ વાર દેખાઈ. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ ન દેખાડી શકતાં ફ્લોપ નીવડી હતી. પરંતુ 1949માં મહેબૂબ ખાનની ‘અંદાઝ’ માં દિલીપ કુમાર અને નરગીસ સાથે ફરી દેખાયા હતાં જે તેમની અભિનેતા તરીકેની પ્રથમ સફળ ફિલ્મ હતી.

જો કે રાજ કપૂરે અભિનેતાની સાથે સાથે પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકેની પણ ફિલ્મો સફળ આપેલી છે જેમાં બરસાત (1949), આવારા (1951), શ્રી 420 (1955), ચોરી ચોરી (1956) અને જીસ દેશમે ગંગા બહેતી હૈ (1960) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ પછી ફરી એક વાર તેમણે 1964માં ડિરેક્ટર, પ્રોડ્યુસર અને અભિનેતા તરીકેની ફિલ્મ ‘સંગમ’ કરી જે તેમની પ્રથમ રંગીન ફિલ્મ હતી. 1970માં તેમના માટેની મહત્વાકાંક્ષી ફિલ્મ જેને બનતાં લગભગ 6 વર્ષ જેટલાં લાગ્યાં હતાં તે ફિલ્મ ‘મેરા નામ જોકર’ આવી હતી. આ ફિલ્મમાં રાજ કપૂરે ઉમદા અભિનયક્ષમતા દેખાડી હતી. મલ્ટી સ્ટારર અને મોટા બજેટની આ ફિલ્મ જો કે ફ્લોપ નીવડી હતી અને રાજ કપૂર તે સમયે નાણાંકીય કટોકટીમાં સપડાયાં હતાં. જો કે રાજ કપૂરની પોતાના જીવનની સૌથી મનગમતી ફિલ્મ મેરા નામ જોકર હતી.

પરંતુ બોલીવુડનો આ ‘જોકર’ પાછો પડ્યા વગર 1971માં તેમણે સૌથી મોટા પુત્ર રણધીર કપૂરની અભિનેતા અને દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ ‘કલ આજ ઔર કલ‘ માં કામ કર્યું. ત્યાર બાદ તેમણે ચરિત્ર ભૂમિકા અને દિગ્દર્શક તથા પ્રોડ્યુસર તરીકે જ કામ કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ તેમણે પોતાના બીજા દિકરા રિશી કપૂરને લઈને તે જમાનાની યુવા વર્ગ માટેની સૌથી રોમેન્ટિક ફિલ્મ ‘બોબી’ (1973) દર્શકો સમક્ષ મૂકી હતી. જેમાં ડિમ્પલ કાપડિયાએ પોતાની પ્રથમ ફિલ્મમાં જ બિકીની પહેરીને તેમ જ ચુંબન કરતાં બોલ્ડ દ્રશ્યો પણ આપ્યાં હતાં. બંને કલાકારોની આ પ્રથમ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ નીવડી હતી.

આ બાદ 70 અને 80ના દાયકાઓમાં તેમણે મહિલાપ્રધાન ફિલ્મો બનાવી હતી જેમાં સત્યમ શિવમ સુંદરમ - 1978 (ઝીનત અમાન), પ્રેમ રોગ 1982 (પદમીની કોલ્હાપુરે) અને રામ તેરી ગંગા મૈલી 1985 (મંદાકીની) જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

બોલીવુડમાં પોતાના જમાનાના સૌથી હેન્ડસમ એક્ટર અને વિદેશી લૂક ધરાવતા રાજ કપૂરનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે પણ જોડવામાં આવ્યું હતું. જેમાં નરગીસ સાથે તેમનો પ્રેમ સમય વધુ ચાલ્યો હતો. આ દરમ્યાન નરગીસ સાથે તેમણે 16 ફિલ્મો પણ કરી હતી.

પોતાના ફિલ્મી કરિયરમાં સૌથી વધુ સાથે રહી કામ કરનાર વ્યક્તિઓમાં સંગીત બેલડી શંકર જયકિશન જેણે તેમની 20 ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, અભિનેત્રી નરગીસ અને ત્યાર બાદ ગાયક મુકેશનો સમાવેશ થતો હતો જે લગભગ રાજ કપૂરનો ફિલ્મી અવાજ બની ચૂક્યો હતો. તેમ છતાં મન્ના ડેએ પણ રાજ કપૂર માટે સારાં એવાં ગીતો ગાયાં છે. મુકેશ દ્વારા રાજ કપૂરના ગીતો આજે પણ સદાબહાર રહ્યાં છે જેમાં તો અમુક ગીતો તો નવી જનરેશનના મોંઢે પણ ગુનગુનાતી સાંભળવા મળે છે. અમુક ગીતોને યાદ કરીએ તો...

જીના યહાં, મરના યહાં ઈસકે સિવા જાના કહાં (મેરા નામ જોકર)

પ્યાર હુઆં, ઈકરાર હુંઆં હૈ (શ્રી 420)

દિલ કા હાલ સુને દિલવાલા (શ્રી 420)

આજા સનમ મધુર ચાંદની મેં હમ (ચોરી ચોરી)

જાને કહાં ગયે વો દિન (મેરા નામ જોકર)

આ શો મેનની થોડી અંગત જીવનની વાત કરીએ તો તેમણે 22 વર્ષની ઉંમરે 1946માં ક્રિષ્ના મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં હતાં. જેના બે ભાઈઓ એટલે પ્રેમનાથ અને રાજિન્દરનાથ પણ અભિનેતાઓ હતાં. રાજકપૂરના ત્રણ પુત્રોમાં રણધીર કપૂર, રાજીવ કપૂર અને રિશી કપૂરનો સમાવેશ થાય છે.

Kapoor Family Tree

Kapoor Family Tree

Kapoor Family Tree

પોતાના સમયમાં આ અભિનય બાદશાહ ભારતમાં તો ઠીક પરંતુ આફ્રિકા, મધ્ય પૂર્વ, ચીન, દક્ષિણ એશિયા અને ખાસ કરીને સોવિયેત યુનિયનના ભાગોમાં ખૂબ જ લોકપ્રિય હતો. રાજ કપૂરની અભિનય ક્ષમતાની સાબિતીની જરૂર નથી પરંતુ તેમને ફિલ્મી કરિયરમાં મળેલાં 8 એવોર્ડ્સ કૂદી કૂદીને તેમના યાદગાર અભિનયની વાહ વાહ કરી રહ્યાં છે. જ્યારે તેમની આવારા (1951) અને બુટ પોલિશ (1954) કાન્સ ફેસ્ટિવલમાં ‘પાલ્મ ડી’ઓર’ના એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી.

અભિનય માટે જન્મેલા આ કલાકારે ફિલ્મો દ્વારા લોકોને હસાવી અને રડાવીને મનોરંજન પૂરૂં પાડ્યું હતું ત્યારે 2 જૂન 1988માં 63 વર્ષની વયે અસ્થમાથી પીડાતા આ શો-મેન દુનિયાને રડાવી અલવિદા કહી ગયાં. આ સમયે તેઓ ફિલ્મ ‘હીના’ બનાવી રહ્યાં હતાં જે બાદમાં રણધીર કપૂરે પૂરી કરી હતી.

જીના યહાં મરના યહાં કહેનાર આ શો મેન ખરેખર એવું જીવન જીવી ગયો હતો જે આજે પણ પોતાના ચાહકોના હૃદયમાં અહીં જ જીવે છે પોતાના જીવન દ્વારા ફિલ્મોના શબ્દો ‘જીના ઈસીકા નામ હૈ’ દ્વારા જીવન જીવવાની કળા શીખવતો ગયો.

હેટ્સ ઓફ ટુ શો-મેન ઓફ ધી બોલીવુડ રાજ કપૂર

“જીના ઈસી કા નામ હૈ” : શો-મેન રાજ કપૂરનો આજે જન્મદિવસ


કિશોર કુમાર... ફિલ્મ જગતનું એક ચિહ્નરૂપ નામ. ફિલ્મ જગતમાં ગીત, સંગીત, અભિનય, કોમેડી, દિગ્દર્શન, લેખક દરેક ક્ષેત્રે હાથ અજમાવી તેમ જ સફળતા મેળવી ચૂકેલા એવા બહુપ્રતિભાશાળીના માલિક કિશોર‘દા વિશે જાણીએ જાણી-અજાણી વાતો.

ઓક્ટોબર 4, 1924માં મધ્યપ્રદેશના ખંડવા ગામમાં જન્મેલા આ મહાન ગાયકનું અસલી નામ તો ભાગ્યે જ કોઈને ખબર હશે. કિશોર‘દાનું અસલી નામ આભાસ કુમાર ગાંગુલી હતું જેમના પિતા કુંજનલાલ ગાંગુલી એક વકીલ તેમજ માતા ગૌરી દેવી હતાં. ચાર ભાઈ-બેહનોમાં પોતે તેમજ સૌથી મોટા ભાઈ અશોક કુમાર, બહેન સતી દેવી અને અનુપ કુમાર હતાં.

કિશોર‘દાના જ્યારે બાળક હતાં ત્યારે જ તે જમાનામાં અશોક કુમાર ફિલ્મ જગતના સફળ કલાકારોમાં સ્થાન પામી ચૂક્યાં હતાં. કિશોરદાએ સૌપ્રથમ અશોકકુમાર જ્યાં કામ કરતાં હતાં ત્યાં ‘બોમ્બે ટોકીઝ’માં કોરસ ગાયક તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. ભાઈ અશોકકુમાર કિશોરદાને પોતાના જેવો સફળ અભિનેતા બનાવવા ઈચ્છતાં હતાં પરંતુ કિશોરદાને એક સફળ ગાયક બનવું હતું. આ માટે જાણીતા સંગીતકાર એસ.ડી બર્મને તેમને સલાહ અને મદદ કરી. જેને ધ્યાનમાં રાખી કિશોરદાએ ગાયકી તરફ ગંભીર રીતે ધ્યાન આપ્યું.

જ્યારે કિશોરદાની ગાયક તરીકેનું સૌ પ્રથમ ગીત ‘મરને કી દુઆયે ક્યોં માંગુ‘ ફિલ્મ ‘ઝીદ્દી’નું હતું.

કિશોર‘દાની અભિનય તરીકેની પ્રથમ ફિલ્મ ‘શિકારી’ (1946) હતી જેમાં અશોક કુમાર મુખ્ય અભિનેતામાં હતાં. જ્યારે કિશોરદાની ગાયક તરીકેનું સૌ પ્રથમ ગીત ‘મરને કી દુઆયે ક્યોં માંગુ‘ ફિલ્મ ‘ઝીદ્દી’નું હતું.

સંગીત કે ગાયકી માટે કોઈ તાલીમ ન લીધેલ એવા કિશોર‘દા પોતાનામાં જ એક જોરદાર પ્રતિભાશાળી વ્યક્તિ હતાં. સંગીત ક્ષેત્રે તાલીમ ન લીધી હોવાને કારણે સંગીતકાર સલીલ ચૌધરીએ પહેલમાં તેમની ફિલ્મમાં ગીત ગાવા માટે ના પાડી હતી પરંતુ દાદાનો અવાજ સાંભાળ્યા બાદ તેમણે તેમની પાસે ગીત ગવડાવ્યું હતું જે હેમંત કુમાર દ્વારા ગાવાનું હતું.

તેમના સફળ કરિયર વિશે વાત કરીએ તો શરૂઆતમાં કોમેડી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો જેમાં ન્યૂ દિલ્હી (1957), આશા (1957), ચલતી કા નામ ગાડી (1958), હાફ ટિકિટ (1962), પડોશન (1968) જેવી યાદગાર ફિલ્મોનો સમાવેશ થાય છે.

ગાયક તરીકે વાત કરીએ તો કિશોરદાએ પોતાની એક અલગ ‘યોડલિંગ’ સ્ટાઈલ પેદા કરી હતી

જ્યારે ગાયક તરીકે વાત કરીએ તો કિશોરદાએ પોતાની એક અલગ ‘યોડલિંગ’ સ્ટાઈલ પેદા કરી હતી જે તેમણે ભાઈ અનુપ કુમાર દ્વારા લાવી આપેલા અમુક રેકોર્ડિંગ્સમાંથી સાંભળીને શીખ્યાં હતાં. જો કે ગીતમાં ‘યોડલિંગ’ સ્ટાઈલ અજમાવનાર સૌપ્રથમ ગાયક મોહમ્મદ રફી હતાં તેમ છતાં કિશોરદાએ આ સ્ટાઈલ માટે પોતાની એક અલગ છાપ ઉભી કરી હતી. જેમાં ફિલ્મ ઝૂમરૂના ‘મેં હું ઝૂમરૂ‘ અને ‘ઠંડી હવા યે ચાંદની’, ન્યૂ દિલ્હીનું ‘નખરેવાલી’, પ્યાર કા દુશ્મનનું ‘તુમ બિન જાઉં કહાં’, અંદાઝનું ‘ઝિંદગી એક સફર હૈ સુહાના’ અને નમક હલાલનું ‘થોડી સી જો પી લી હૈ’ ગીતો તેના ઉદાહરણ છે.

કિશોરદાને ‘રૂપ તેરા મસ્તાના’ ગીત માટે સૌપ્રથમ ઍવોર્ડ મળ્યો હતો

એસ.ડી બર્મનની માંદગી બાદ આર.ડી બર્મને સંગીત સંભાળતાં ફિલ્મ આરાધનામાં ‘મેરે સપનો કરી રાની કબ આયેગી તુ’ અને રૂપ તેરા મસ્તાના ગીતો દ્વારા કિશોર કુમાર અને આર.ડી બર્મનની જોડીએ ધૂમ મચાવી દીધી હતી. જેમાં કિશોરદાને ‘રૂપ તેરા મસ્તાના’ ગીત માટે સૌપ્રથમ ઍવોર્ડ મળ્યો હતો. કિશોરદાએ લગભગ બોલીવુડના દરેક કલાકારો માટે ગીતો ગાયાં છે જેમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, મિથુન ચક્રવર્તી, ધર્મેન્દ્ર, સંજીવકુમાર દેવ આનંદ અને રિશી કપૂર જેવા દિગ્ગજ અભિનેતાઓનો સમાવેશ થાય છે.

કિશોર કુમારના અંગત જીવનમાં ડોકિયું કરીએ તો દાદાએ ચાર લગ્નો કર્યા હતાં. જેમાં સૌપ્રથમ રૂમા ઘોષ (1950-1958), ત્યાર બાદ જાણીતી અભિનેત્રી મધુબાલા સાથે 1960માં લગ્ન કર્યાં. જ્યારે કિશોરદાએ મધુબાલાને પ્રપોઝ કર્યું હતું ત્યારે મધુબાલા બીમાર હતી અને લંડન સારવાર અર્થે જઈ રહ્યાં હતાં. ત્યારે મધુબાલાને પોતાની બીમારીની જાણ ન હતી. મધુબાલાના પિતા લગ્ન માટે પહેલાં ડોક્ટરોની સલાહ માટે રાહ જોવા ઈચ્છતાં હતાં પરંતુ મધુબાલાએ તેમની ઈચ્છા વિરુદ્ધ કિશોરદા સાથે લગ્ન કરી લીધાં હતાં. મધુબાલા મુસ્લિમ હોવાથી કિશોરદાના પરિવારે તેમનો સ્વીકાર કર્યો ન હતો. લંડનમાં ડોક્ટરોએ મધુબાલાની બીમારી વિશે કહેતાં જણાવ્યું હતું કે તેઓ વધુ નહી જીવે અને લગ્નજીવનના 9 વર્ષ બાદ ફેબ્રુઆરી 23, 1969માં તેમનું અવસાન થયું. ત્યાર બાદ કિશોરદાના લગ્ન જાણીતી અભિનેત્રી યોગીતા બાલી સાથે 1976માં થયાં જેનો અંત બે વર્ષમાં જ આવતાં ઓગસ્ટ 4, 1978માં છૂટાછેડાં થયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે યોગીતા બાલીએ કિશોરદા સાથેના છૂટાછેડાં બાદ મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કર્યાં હતાં અને કિશોરદાએ આ માટે થોડાં સમય માટે મિથુન માટે ગીતો ગાવાનું પણ બંધ કરી દીધું હતું. યોગીતા બાલી બાદ કિશોરદાના છેલ્લાં પત્ની તરીકે વર્ષ 1980માં અભિનેત્રી લીના ચંદાવરકર સાથે થયાં હતાં અને તેમના બે પુત્રો જેમાં અમિત કુમાર (ગાયક) અને સુમિત કુમાર છે.

કિશોરદાએ યોગીતા બાલીના મિથુન સાથે લગ્ન થવાનાં કારણે મિથુન માટે ગીતો ગાવાનું પણ બંધ કરી દીધું હતું.

કિશોર કુમાર વિશે ન જાણી હોય તેવી વાત કરીએ તો કિશોરદા પોતાના કામ માટેના પૈસા લેવામાં એકદમ પાક્કા હતાં. તે રેકોર્ડિંગ માટે ત્યારે જ તૈયાર થતાં જ્યારે તેમના સેક્રેટરી પેમેન્ટ મળી ગયા હોવાનું કહેતાં હતાં. તેઓને જો અડધી રકમ આપવામાં આવતી તો તે શૂટિંગ દરમ્યાન ચહેરા પર અડધો જ મેક-અપ કરીને આવતાં જ્યારે દિગ્દર્શક પૂછતાં કે આમ કેમ તો કિશોરદા કહેતાં કે “આધા પૈસા તો આધા મેક-અપ”.

કિશોરદાના બીજા એક પ્રસંગને યાદ કરીએ તો ફિલ્મ આનંદ (1971) જેમાં અમિતાભ અને રાજેશ ખન્નાની જોડી યાદગાર બની ગઈ હતી જે અસલમાં મહેમૂદ અને કિશોર કુમાર ભજવવાના હતાં. ફિલ્મના જાણીતા દિગ્દર્શક ઋષિકેશ મુખર્જીએ તે સમયે કિશોરકુમારને ફિલ્મની વાર્તા વિશે મળવાનું વિચાર્યું હતું. પરંતુ જ્યારે તેઓ કિશોરદાના ઘરે ગયાં ત્યારે ગેટકીપરે તેમને ભૂલથી તેમને ત્યાંથી કાઢી મૂક્યાં હતાં. આ ભૂલ એટલે થઈ હતી કે કિશોરદાએ એક બંગાળી માણસ સાથે શો ના પૈસા માટે મારામારી થઈ હતી અને ગેટકીપરને સૂચના આપી હતી કે તે બંગાળી માણસને ઘરમાં આવવા ન દે. સંજોગોવસાત ઋષિકેશ મુખર્જી તે સમયે આવ્યા હતાં અને તે પણ બંગાળી જ હતાં અને ગેટકીપરે અજાણતાં પેલો બંગાળી માણસ સમજીને કાઢી મૂક્યાં હતાં. આ પ્રસંગને કારણે મહેમૂદ અને કિશોરકુમારને ફિલ્મ ‘આનંદ’ છોડવી પડી હતી.

કિશોરકુમારના જીવનના પ્રસંગો, ઉતાર-ચઢાવ અને તેમનો અંદાજ તેમના વ્યક્તિત્વની જેમ જ ભવ્ય હતાં. ફિલ્મ જગતે કિશોરદા જેવા ઉમદા ગાયક, અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, લેખક અને સંગીતકાર સાથે સાથે ઉમદા વ્યક્તિ પણ ગુમાવ્યો છે. પરંતુ આજે પણ કિશોરદા અને તેમનો મધુર અવાજ લોકો અને તેમના પછીના ગાયકોમાં જીવંત રહેલો છે.

કોરસ ગાયકીથી ‘યોડલિંગ’ માસ્ટર સુધીની સફર કરનારા સુપ્રસિદ્ધ ગાયક કિશોર‘દા