Hello, I'm Admin of weblogtemplates and this is our new blogger template, Vip.
It is extremely easy to configure and use. Designed to show your Web design or web development portfolios.
No complex stuff. Your logo, your articles & your social links. Easy stuff!

કોરસ ગાયકીથી ‘યોડલિંગ’ માસ્ટર સુધીની સફર કરનારા સુપ્રસિદ્ધ ગાયક કિશોર‘દા

No comments

કિશોર કુમાર... ફિલ્મ જગતનું એક ચિહ્નરૂપ નામ. ફિલ્મ જગતમાં ગીત, સંગીત, અભિનય, કોમેડી, દિગ્દર્શન, લેખક દરેક ક્ષેત્રે હાથ અજમાવી તેમ જ સફળતા મેળવી ચૂકેલા એવા બહુપ્રતિભાશાળીના માલિક કિશોર‘દા વિશે જાણીએ જાણી-અજાણી વાતો.

ઓક્ટોબર 4, 1924માં મધ્યપ્રદેશના ખંડવા ગામમાં જન્મેલા આ મહાન ગાયકનું અસલી નામ તો ભાગ્યે જ કોઈને ખબર હશે. કિશોર‘દાનું અસલી નામ આભાસ કુમાર ગાંગુલી હતું જેમના પિતા કુંજનલાલ ગાંગુલી એક વકીલ તેમજ માતા ગૌરી દેવી હતાં. ચાર ભાઈ-બેહનોમાં પોતે તેમજ સૌથી મોટા ભાઈ અશોક કુમાર, બહેન સતી દેવી અને અનુપ કુમાર હતાં.

કિશોર‘દાના જ્યારે બાળક હતાં ત્યારે જ તે જમાનામાં અશોક કુમાર ફિલ્મ જગતના સફળ કલાકારોમાં સ્થાન પામી ચૂક્યાં હતાં. કિશોરદાએ સૌપ્રથમ અશોકકુમાર જ્યાં કામ કરતાં હતાં ત્યાં ‘બોમ્બે ટોકીઝ’માં કોરસ ગાયક તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. ભાઈ અશોકકુમાર કિશોરદાને પોતાના જેવો સફળ અભિનેતા બનાવવા ઈચ્છતાં હતાં પરંતુ કિશોરદાને એક સફળ ગાયક બનવું હતું. આ માટે જાણીતા સંગીતકાર એસ.ડી બર્મને તેમને સલાહ અને મદદ કરી. જેને ધ્યાનમાં રાખી કિશોરદાએ ગાયકી તરફ ગંભીર રીતે ધ્યાન આપ્યું.

જ્યારે કિશોરદાની ગાયક તરીકેનું સૌ પ્રથમ ગીત ‘મરને કી દુઆયે ક્યોં માંગુ‘ ફિલ્મ ‘ઝીદ્દી’નું હતું.

કિશોર‘દાની અભિનય તરીકેની પ્રથમ ફિલ્મ ‘શિકારી’ (1946) હતી જેમાં અશોક કુમાર મુખ્ય અભિનેતામાં હતાં. જ્યારે કિશોરદાની ગાયક તરીકેનું સૌ પ્રથમ ગીત ‘મરને કી દુઆયે ક્યોં માંગુ‘ ફિલ્મ ‘ઝીદ્દી’નું હતું.

સંગીત કે ગાયકી માટે કોઈ તાલીમ ન લીધેલ એવા કિશોર‘દા પોતાનામાં જ એક જોરદાર પ્રતિભાશાળી વ્યક્તિ હતાં. સંગીત ક્ષેત્રે તાલીમ ન લીધી હોવાને કારણે સંગીતકાર સલીલ ચૌધરીએ પહેલમાં તેમની ફિલ્મમાં ગીત ગાવા માટે ના પાડી હતી પરંતુ દાદાનો અવાજ સાંભાળ્યા બાદ તેમણે તેમની પાસે ગીત ગવડાવ્યું હતું જે હેમંત કુમાર દ્વારા ગાવાનું હતું.

તેમના સફળ કરિયર વિશે વાત કરીએ તો શરૂઆતમાં કોમેડી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો જેમાં ન્યૂ દિલ્હી (1957), આશા (1957), ચલતી કા નામ ગાડી (1958), હાફ ટિકિટ (1962), પડોશન (1968) જેવી યાદગાર ફિલ્મોનો સમાવેશ થાય છે.

ગાયક તરીકે વાત કરીએ તો કિશોરદાએ પોતાની એક અલગ ‘યોડલિંગ’ સ્ટાઈલ પેદા કરી હતી

જ્યારે ગાયક તરીકે વાત કરીએ તો કિશોરદાએ પોતાની એક અલગ ‘યોડલિંગ’ સ્ટાઈલ પેદા કરી હતી જે તેમણે ભાઈ અનુપ કુમાર દ્વારા લાવી આપેલા અમુક રેકોર્ડિંગ્સમાંથી સાંભળીને શીખ્યાં હતાં. જો કે ગીતમાં ‘યોડલિંગ’ સ્ટાઈલ અજમાવનાર સૌપ્રથમ ગાયક મોહમ્મદ રફી હતાં તેમ છતાં કિશોરદાએ આ સ્ટાઈલ માટે પોતાની એક અલગ છાપ ઉભી કરી હતી. જેમાં ફિલ્મ ઝૂમરૂના ‘મેં હું ઝૂમરૂ‘ અને ‘ઠંડી હવા યે ચાંદની’, ન્યૂ દિલ્હીનું ‘નખરેવાલી’, પ્યાર કા દુશ્મનનું ‘તુમ બિન જાઉં કહાં’, અંદાઝનું ‘ઝિંદગી એક સફર હૈ સુહાના’ અને નમક હલાલનું ‘થોડી સી જો પી લી હૈ’ ગીતો તેના ઉદાહરણ છે.

કિશોરદાને ‘રૂપ તેરા મસ્તાના’ ગીત માટે સૌપ્રથમ ઍવોર્ડ મળ્યો હતો

એસ.ડી બર્મનની માંદગી બાદ આર.ડી બર્મને સંગીત સંભાળતાં ફિલ્મ આરાધનામાં ‘મેરે સપનો કરી રાની કબ આયેગી તુ’ અને રૂપ તેરા મસ્તાના ગીતો દ્વારા કિશોર કુમાર અને આર.ડી બર્મનની જોડીએ ધૂમ મચાવી દીધી હતી. જેમાં કિશોરદાને ‘રૂપ તેરા મસ્તાના’ ગીત માટે સૌપ્રથમ ઍવોર્ડ મળ્યો હતો. કિશોરદાએ લગભગ બોલીવુડના દરેક કલાકારો માટે ગીતો ગાયાં છે જેમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, મિથુન ચક્રવર્તી, ધર્મેન્દ્ર, સંજીવકુમાર દેવ આનંદ અને રિશી કપૂર જેવા દિગ્ગજ અભિનેતાઓનો સમાવેશ થાય છે.

કિશોર કુમારના અંગત જીવનમાં ડોકિયું કરીએ તો દાદાએ ચાર લગ્નો કર્યા હતાં. જેમાં સૌપ્રથમ રૂમા ઘોષ (1950-1958), ત્યાર બાદ જાણીતી અભિનેત્રી મધુબાલા સાથે 1960માં લગ્ન કર્યાં. જ્યારે કિશોરદાએ મધુબાલાને પ્રપોઝ કર્યું હતું ત્યારે મધુબાલા બીમાર હતી અને લંડન સારવાર અર્થે જઈ રહ્યાં હતાં. ત્યારે મધુબાલાને પોતાની બીમારીની જાણ ન હતી. મધુબાલાના પિતા લગ્ન માટે પહેલાં ડોક્ટરોની સલાહ માટે રાહ જોવા ઈચ્છતાં હતાં પરંતુ મધુબાલાએ તેમની ઈચ્છા વિરુદ્ધ કિશોરદા સાથે લગ્ન કરી લીધાં હતાં. મધુબાલા મુસ્લિમ હોવાથી કિશોરદાના પરિવારે તેમનો સ્વીકાર કર્યો ન હતો. લંડનમાં ડોક્ટરોએ મધુબાલાની બીમારી વિશે કહેતાં જણાવ્યું હતું કે તેઓ વધુ નહી જીવે અને લગ્નજીવનના 9 વર્ષ બાદ ફેબ્રુઆરી 23, 1969માં તેમનું અવસાન થયું. ત્યાર બાદ કિશોરદાના લગ્ન જાણીતી અભિનેત્રી યોગીતા બાલી સાથે 1976માં થયાં જેનો અંત બે વર્ષમાં જ આવતાં ઓગસ્ટ 4, 1978માં છૂટાછેડાં થયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે યોગીતા બાલીએ કિશોરદા સાથેના છૂટાછેડાં બાદ મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કર્યાં હતાં અને કિશોરદાએ આ માટે થોડાં સમય માટે મિથુન માટે ગીતો ગાવાનું પણ બંધ કરી દીધું હતું. યોગીતા બાલી બાદ કિશોરદાના છેલ્લાં પત્ની તરીકે વર્ષ 1980માં અભિનેત્રી લીના ચંદાવરકર સાથે થયાં હતાં અને તેમના બે પુત્રો જેમાં અમિત કુમાર (ગાયક) અને સુમિત કુમાર છે.

કિશોરદાએ યોગીતા બાલીના મિથુન સાથે લગ્ન થવાનાં કારણે મિથુન માટે ગીતો ગાવાનું પણ બંધ કરી દીધું હતું.

કિશોર કુમાર વિશે ન જાણી હોય તેવી વાત કરીએ તો કિશોરદા પોતાના કામ માટેના પૈસા લેવામાં એકદમ પાક્કા હતાં. તે રેકોર્ડિંગ માટે ત્યારે જ તૈયાર થતાં જ્યારે તેમના સેક્રેટરી પેમેન્ટ મળી ગયા હોવાનું કહેતાં હતાં. તેઓને જો અડધી રકમ આપવામાં આવતી તો તે શૂટિંગ દરમ્યાન ચહેરા પર અડધો જ મેક-અપ કરીને આવતાં જ્યારે દિગ્દર્શક પૂછતાં કે આમ કેમ તો કિશોરદા કહેતાં કે “આધા પૈસા તો આધા મેક-અપ”.

કિશોરદાના બીજા એક પ્રસંગને યાદ કરીએ તો ફિલ્મ આનંદ (1971) જેમાં અમિતાભ અને રાજેશ ખન્નાની જોડી યાદગાર બની ગઈ હતી જે અસલમાં મહેમૂદ અને કિશોર કુમાર ભજવવાના હતાં. ફિલ્મના જાણીતા દિગ્દર્શક ઋષિકેશ મુખર્જીએ તે સમયે કિશોરકુમારને ફિલ્મની વાર્તા વિશે મળવાનું વિચાર્યું હતું. પરંતુ જ્યારે તેઓ કિશોરદાના ઘરે ગયાં ત્યારે ગેટકીપરે તેમને ભૂલથી તેમને ત્યાંથી કાઢી મૂક્યાં હતાં. આ ભૂલ એટલે થઈ હતી કે કિશોરદાએ એક બંગાળી માણસ સાથે શો ના પૈસા માટે મારામારી થઈ હતી અને ગેટકીપરને સૂચના આપી હતી કે તે બંગાળી માણસને ઘરમાં આવવા ન દે. સંજોગોવસાત ઋષિકેશ મુખર્જી તે સમયે આવ્યા હતાં અને તે પણ બંગાળી જ હતાં અને ગેટકીપરે અજાણતાં પેલો બંગાળી માણસ સમજીને કાઢી મૂક્યાં હતાં. આ પ્રસંગને કારણે મહેમૂદ અને કિશોરકુમારને ફિલ્મ ‘આનંદ’ છોડવી પડી હતી.

કિશોરકુમારના જીવનના પ્રસંગો, ઉતાર-ચઢાવ અને તેમનો અંદાજ તેમના વ્યક્તિત્વની જેમ જ ભવ્ય હતાં. ફિલ્મ જગતે કિશોરદા જેવા ઉમદા ગાયક, અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, લેખક અને સંગીતકાર સાથે સાથે ઉમદા વ્યક્તિ પણ ગુમાવ્યો છે. પરંતુ આજે પણ કિશોરદા અને તેમનો મધુર અવાજ લોકો અને તેમના પછીના ગાયકોમાં જીવંત રહેલો છે.

No comments :

Post a Comment