Hello, I'm Admin of weblogtemplates and this is our new blogger template, Vip.
It is extremely easy to configure and use. Designed to show your Web design or web development portfolios.
No complex stuff. Your logo, your articles & your social links. Easy stuff!

“જીના ઈસી કા નામ હૈ” : શો-મેન રાજ કપૂરનો આજે જન્મદિવસ

No comments
રણબીરરાજ કપૂર... હા, આ નામ છે બોલીવુડના લીજેન્ડરી અભિનેતા, શો-મેન રાજકપૂરનું. 14 ડિસેમ્બર, 1924ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં જન્મેલા આ માનવરૂપી અભિનય ભંડારનો આજે 85મો જન્મદિવસ છે.

ખૂબ જ નાની વયે ફિલ્મ જગતમાં પ્રવેશ કરનાર રાજ કપૂર સૌ પ્રથમ કિદાર શર્માને ત્યાં ક્લેપર બોય તરીકે કામ કરતાં થયાં. ત્યાર બાદ ફક્ત 11 વર્ષની વયે જ પ્રથમ વાર વર્ષ 1935માં ‘ઈન્કલાબ’ દ્વારા ફિલ્મોમાં દેખાયા. ત્યાર બાદ ફિલ્મોમાં કામ કરતાં રહ્યાં અને 12 વર્ષ બાદ 1947માં લીડ રોલમાં ‘નીલકમલ ’માં મધુબાલા સાથે અભિનય કર્યો. મધુબાલાની આ મુખ્ય અભિનેત્રી તરીકેની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મ જગતના પોતાના જમાનામાં સૌથી નાની વયના ડિરેક્ટર બની તેમણે 1948માં 24 વર્ષની વયે પોતાનો આર.કે સ્ટુડિયો બનાવ્યો. અભિનેતા, ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે તેમણે 1948માં ફિલ્મ ‘આગ’ બનાવી જેમાં ઘણી ફિલ્મોમાં રાજ કપૂર સાથે કામ કરનાર અભિનેત્રી નરગીસ સૌ પ્રથમ વાર દેખાઈ. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ ન દેખાડી શકતાં ફ્લોપ નીવડી હતી. પરંતુ 1949માં મહેબૂબ ખાનની ‘અંદાઝ’ માં દિલીપ કુમાર અને નરગીસ સાથે ફરી દેખાયા હતાં જે તેમની અભિનેતા તરીકેની પ્રથમ સફળ ફિલ્મ હતી.

જો કે રાજ કપૂરે અભિનેતાની સાથે સાથે પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકેની પણ ફિલ્મો સફળ આપેલી છે જેમાં બરસાત (1949), આવારા (1951), શ્રી 420 (1955), ચોરી ચોરી (1956) અને જીસ દેશમે ગંગા બહેતી હૈ (1960) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ પછી ફરી એક વાર તેમણે 1964માં ડિરેક્ટર, પ્રોડ્યુસર અને અભિનેતા તરીકેની ફિલ્મ ‘સંગમ’ કરી જે તેમની પ્રથમ રંગીન ફિલ્મ હતી. 1970માં તેમના માટેની મહત્વાકાંક્ષી ફિલ્મ જેને બનતાં લગભગ 6 વર્ષ જેટલાં લાગ્યાં હતાં તે ફિલ્મ ‘મેરા નામ જોકર’ આવી હતી. આ ફિલ્મમાં રાજ કપૂરે ઉમદા અભિનયક્ષમતા દેખાડી હતી. મલ્ટી સ્ટારર અને મોટા બજેટની આ ફિલ્મ જો કે ફ્લોપ નીવડી હતી અને રાજ કપૂર તે સમયે નાણાંકીય કટોકટીમાં સપડાયાં હતાં. જો કે રાજ કપૂરની પોતાના જીવનની સૌથી મનગમતી ફિલ્મ મેરા નામ જોકર હતી.

પરંતુ બોલીવુડનો આ ‘જોકર’ પાછો પડ્યા વગર 1971માં તેમણે સૌથી મોટા પુત્ર રણધીર કપૂરની અભિનેતા અને દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ ‘કલ આજ ઔર કલ‘ માં કામ કર્યું. ત્યાર બાદ તેમણે ચરિત્ર ભૂમિકા અને દિગ્દર્શક તથા પ્રોડ્યુસર તરીકે જ કામ કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ તેમણે પોતાના બીજા દિકરા રિશી કપૂરને લઈને તે જમાનાની યુવા વર્ગ માટેની સૌથી રોમેન્ટિક ફિલ્મ ‘બોબી’ (1973) દર્શકો સમક્ષ મૂકી હતી. જેમાં ડિમ્પલ કાપડિયાએ પોતાની પ્રથમ ફિલ્મમાં જ બિકીની પહેરીને તેમ જ ચુંબન કરતાં બોલ્ડ દ્રશ્યો પણ આપ્યાં હતાં. બંને કલાકારોની આ પ્રથમ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ નીવડી હતી.

આ બાદ 70 અને 80ના દાયકાઓમાં તેમણે મહિલાપ્રધાન ફિલ્મો બનાવી હતી જેમાં સત્યમ શિવમ સુંદરમ - 1978 (ઝીનત અમાન), પ્રેમ રોગ 1982 (પદમીની કોલ્હાપુરે) અને રામ તેરી ગંગા મૈલી 1985 (મંદાકીની) જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

બોલીવુડમાં પોતાના જમાનાના સૌથી હેન્ડસમ એક્ટર અને વિદેશી લૂક ધરાવતા રાજ કપૂરનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે પણ જોડવામાં આવ્યું હતું. જેમાં નરગીસ સાથે તેમનો પ્રેમ સમય વધુ ચાલ્યો હતો. આ દરમ્યાન નરગીસ સાથે તેમણે 16 ફિલ્મો પણ કરી હતી.

પોતાના ફિલ્મી કરિયરમાં સૌથી વધુ સાથે રહી કામ કરનાર વ્યક્તિઓમાં સંગીત બેલડી શંકર જયકિશન જેણે તેમની 20 ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, અભિનેત્રી નરગીસ અને ત્યાર બાદ ગાયક મુકેશનો સમાવેશ થતો હતો જે લગભગ રાજ કપૂરનો ફિલ્મી અવાજ બની ચૂક્યો હતો. તેમ છતાં મન્ના ડેએ પણ રાજ કપૂર માટે સારાં એવાં ગીતો ગાયાં છે. મુકેશ દ્વારા રાજ કપૂરના ગીતો આજે પણ સદાબહાર રહ્યાં છે જેમાં તો અમુક ગીતો તો નવી જનરેશનના મોંઢે પણ ગુનગુનાતી સાંભળવા મળે છે. અમુક ગીતોને યાદ કરીએ તો...

જીના યહાં, મરના યહાં ઈસકે સિવા જાના કહાં (મેરા નામ જોકર)

પ્યાર હુઆં, ઈકરાર હુંઆં હૈ (શ્રી 420)

દિલ કા હાલ સુને દિલવાલા (શ્રી 420)

આજા સનમ મધુર ચાંદની મેં હમ (ચોરી ચોરી)

જાને કહાં ગયે વો દિન (મેરા નામ જોકર)

આ શો મેનની થોડી અંગત જીવનની વાત કરીએ તો તેમણે 22 વર્ષની ઉંમરે 1946માં ક્રિષ્ના મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં હતાં. જેના બે ભાઈઓ એટલે પ્રેમનાથ અને રાજિન્દરનાથ પણ અભિનેતાઓ હતાં. રાજકપૂરના ત્રણ પુત્રોમાં રણધીર કપૂર, રાજીવ કપૂર અને રિશી કપૂરનો સમાવેશ થાય છે.

Kapoor Family Tree

Kapoor Family Tree

Kapoor Family Tree

પોતાના સમયમાં આ અભિનય બાદશાહ ભારતમાં તો ઠીક પરંતુ આફ્રિકા, મધ્ય પૂર્વ, ચીન, દક્ષિણ એશિયા અને ખાસ કરીને સોવિયેત યુનિયનના ભાગોમાં ખૂબ જ લોકપ્રિય હતો. રાજ કપૂરની અભિનય ક્ષમતાની સાબિતીની જરૂર નથી પરંતુ તેમને ફિલ્મી કરિયરમાં મળેલાં 8 એવોર્ડ્સ કૂદી કૂદીને તેમના યાદગાર અભિનયની વાહ વાહ કરી રહ્યાં છે. જ્યારે તેમની આવારા (1951) અને બુટ પોલિશ (1954) કાન્સ ફેસ્ટિવલમાં ‘પાલ્મ ડી’ઓર’ના એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી.

અભિનય માટે જન્મેલા આ કલાકારે ફિલ્મો દ્વારા લોકોને હસાવી અને રડાવીને મનોરંજન પૂરૂં પાડ્યું હતું ત્યારે 2 જૂન 1988માં 63 વર્ષની વયે અસ્થમાથી પીડાતા આ શો-મેન દુનિયાને રડાવી અલવિદા કહી ગયાં. આ સમયે તેઓ ફિલ્મ ‘હીના’ બનાવી રહ્યાં હતાં જે બાદમાં રણધીર કપૂરે પૂરી કરી હતી.

જીના યહાં મરના યહાં કહેનાર આ શો મેન ખરેખર એવું જીવન જીવી ગયો હતો જે આજે પણ પોતાના ચાહકોના હૃદયમાં અહીં જ જીવે છે પોતાના જીવન દ્વારા ફિલ્મોના શબ્દો ‘જીના ઈસીકા નામ હૈ’ દ્વારા જીવન જીવવાની કળા શીખવતો ગયો.

હેટ્સ ઓફ ટુ શો-મેન ઓફ ધી બોલીવુડ રાજ કપૂર

No comments :

Post a Comment